જગતના કયા માણસને સુખી થવુ નથી, મારે તમારે અને આપણે બધાને સુખી થવુ છે, પણ કોઈ શાળા કે પાઠશાળામાં આપણને સુખી થવાનો પાઠ શીખવાડવામાં આવતો નથી.આપણને મન સુખી થવુ એટલે ખુબ કમાવુ અને ખુબ ભેગુ કરવો તેવો છે કારણ આપણે બીજાને આવી રીતે જ સુખી થતાં જોયા છે. જેમની પાસે ખુબ છે તેઓ સુખી છે તેવુ આપણે તેમને પુછતા નથી અને તેઓ સુખી છે કે નહીં તેવુ આપણને કહેતા નથી, સુખ ખેતરમાં લહેરાતા પાક જેવુ છે, ખેડૂત અનાજ પકવે અને જો બધુ જ અનાજ પોતાના કોઠારમાં ભરી રાખે તો તે ફરી પાક લઈ શકે નહીં, પણ ખેડૂત પોતાનો પાક પૈકી અનાજનો થોડો ભાગ ફરી વાવેતરમાંથી બાજુ ઉપર રાખે છે, જેમાંથી તે ફરી પાક લે છે.
આવુ જ સુખનું છે, સુખી થવુ હોય તો આપણી આવકનો -સમયનો-વ્યવહારનો અને ઈરાદો અમુક હિસ્સો બાજુ ઉપર રાખી તેનું વાવેતર આપણી આસપાસના લોકો અને પ્રકૃતિમાં કરવુ પડે છે. ભેગુ કરવુ તો સહેલુ કામ છે, પણ ભેગુ કરેવુ ધન તળાવના પાણી જેવુ હોય છે, સમય જતાં તે ગંધાય છે,તે પાણી પીવા લાયક પણ રહેતુ નથી, પણ આપણે પાસે રહેલુ ધન જે બીજા માટે વહેતુ રહે તો તેમાં વધારો પણ થાય છે. સુખી થવુ હોય તો બીજાને સુખી કરવા પડે, તમારી આસપાસના લોકો નિરાશ, લાચાર અને દુખી હોય તો તમારી પાસે પુષ્કળ હશે તો પણ તમને સુખની અનુભુતી થશે નહીં કારણ સુખ અનુભવનો વિષય છે.
આજે સુખ વાવવ્યુ અને તરત તમે સુખનું ફળ મળશે તેવુ પણ નથી, બીજાને સુખી કરવાનો પ્રયાસ રોજ અને નિરંતર ચાલુ રહેવો જોઈએ. ગાંધીનગર પોલીસના અધિકારીઓ હમણાં દુષ્કર્મ પિડીત એક બાળકીની વ્યકિતગત સંભાળ રાખે,. આ પોલીસ અધિકારીઓને મળી પુછજો કે તમારી નોકરી દરમિયાન તમે કમાયેલા પૈસા અને હમણાં તમે જે બાળકીની સંભાળ રાખો છે. તેમાંથી કઈ બાબતે તમને સુખ આપ્યુ તો તેનો જવાબ નિશ્ચીત રીતે મળશે કે બાળકીની સંભાળમાં જે સુખ મળે તે લાખો રૂપિયા કમાયા પછી પણ મળ્યુ ન્હોતુ. સુખ આપવામાં છે તે આપણને કોઈ શીખવ્યુ જ નથી, જેના કારણે આપણે ભેગુ કરવાનું શીખ્યા છીએ.
