સમય ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરાઈ છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેમણે અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવીને હોસ્પિટલ તથા અન્ય લોકોની બદનામી થાય તેવા કામ કર્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી હોસ્પિટલને બદનામ કરવાના પ્રયાસો કરવાના પગલે કૌશિક બારોટ સામે ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે તેમની ધરપકડ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે આ સંદર્ભમાં ફરિયાદ દાખલ કરી છે અને કૌશિક બારોટની ધરપકડ કરી છે. ઘમા સમયથી સોશિયલ મીડિયામાં કૌશિક બારોટ દ્વારા કેટલીક અયોગ્ય પોસ્ટ કરવામાં આવી રહી હતી જે હોસ્પિટલની શાખને બગાડતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે જ્યારે હોસ્પિટલને જાણકારી મળી ત્યારે હોસ્પિટલે આ મામલામાં ફરિયાદ દાખલ કરાવી હતી.
સાયબર ક્રાઈમ અમદાવાદના ડીસીપી અમિત વસાવાનું જણાવવું છે કે, કૌશિક બારોટ મોબાઈલમાં એવી એપ્લીકેશન રાખતા કે જેમાં સામેવાળી વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર પણ ન દેખાય, એટલું જ નહીં કૌશિક બારોટ ફોન પર વાત કરે તો સામે વાળી વ્યક્તિને છોકરીનો અવાજ જાય. જેની મદદથી તે બીજાઓની બદનામી કરે, હોસ્પિટલના ધ્યાને આ મામલો આવ્યો ત્યારે હાલ કૌશિક બારોટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની ધરપકડ કરી અને તેમની પુછપરછ કરી ત્યારે જાણકારી મળી કે તે બીજાના નામે સિમકાર્ડ પણ રાખતા હતા.
